
🙏🏻ત્રિપુરેશ્વરીની ચાર ભુજાઓ.🙏🏻
પ્રસ્તોતા:- શાસ્ત્રી રાજેશ આચાર્ય.🖊️
ક,આદિ છત્રીશ વ્યંજનોમાં છત્રીસ તત્વોનો સમાવેશ છે.છેલ્લા વર્ણો એ તુરિય પદના અંગરૂપ છે.જ્યારે માત્ર ક્ષ’કાર એ બિંદુરૂપ શિવ છે.
પ્રવૃત્યાત્મક સંસરણની ચરમ સીમા જાગ્રત અવસ્થા છે.આ અવસ્થામાં જીવ પોતાને શિવથી જુદો ,સીમિત અને બંધાયેલો માને છે.અને જે તુરિય દશાની અનુભૂતિ છે એમાં જીવ બંધનથી મુક્ત થઈ ફરી શિવ સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે.
ઈચ્છા,ક્રિયા અને જ્ઞાન આ જે ત્રણ શક્તિઓ છે તેમાં ઈચ્છા જ કૂટસ્થ રૂપીણી છે.ઈચ્છાનું જ્ઞાન અને ક્રિયાના મધ્યમાં સ્ફુરણ નિરૂપેલું છે.ઈચ્છા વિના જ્ઞાન અને ક્રિયા પ્રવર્તિત નથી થતી.જ્ઞાન અને ક્રિયા ઈચ્છાનું અંગ છે અને ઈચ્છા પોતે અંગી છે.
જાગ્રત,સ્વપ્ન,સુષુપ્તિ અને તુરિય આ ચાર દશાઓને શ્રી ત્રિપુરેશ્વરીના ચાર ભુજાઓ સાથે સરખાવ્યાં છે.ચાર દશાઓ ઉપલક્ષણ માત્ર છે,પારમાર્થિક સ્વરૂપ નહીં.સુષુપ્તિ આદિ જે ત્રણ દશાઓ છે તે બંધન કરનારી છે માટે તેના આયુધો ઇક્ષુ ચાપ,પુષ્પબાણ અને પાશ છે.
👉🏻ઇક્ષુચાપ- રસમય અને મધુર હોય છે,અને સુષુપ્તિ અવસ્થા વિશ્રાન્તિ રૂપ હોવાથી એક રસ છે,જેમાં જીવ શિવત્વની મધુર અનુભૂતિ કરે છે; માટે સુષુપ્તિરૂપ ભુજાનું આયુધ ઇક્ષુચાપ નિરુપ્યું છે.
👉🏻પુષ્પબાણ-જાગ્રત અવસ્થામાં પ્રપંચનો પ્રસાર થાય છે.આ અવસ્થાનો મુખ્ય વ્યાપાર વશીકરણ છે;જેમાં જીવ માયાને વશ થઈ જાય છે,અને પુષ્પબાણનો પણ એ જ ગુણ છે.માટે જાગ્રત રૂપ ભુજાનું આયુધ પંચબાણ નિરુપ્યું છે.
👉🏻પાશ – સ્વપ્નદશા થોડી સૂક્ષ્મ રૂપ છે,માટે આ વાયુતત્વ છે.વાયુના પ્રકોપથી ઝંઝાવાતના ઉદયને લીધે સ્વપ્ન દશા ભ્રામક કહેવાય છે.આમાં જીવને ભેદાભેદ ભ્રાન્તિની અનુભૂતિ થાય છે.માટે સ્વપ્નાત્મક ભુજાના આયુધને પાશના રૂપમાં પ્રદર્શિત કર્યું છે.
👉🏻અંકુશ – ચોથી ભુજા જ્ઞાનાત્મક તુર્યદશા છે જેમાં જીવ શિવત્વની પ્રાપ્તિ કરી ને મુક્ત થઈ જાય છે.માટે જ્ઞાનાત્મક સદાશિવને અંકુશના રૂપમાં ચોથા આયુધ રૂપે નિરુપ્યું છે.જેવી રીતે ગજ- હાથીરૂપી મહાપશુનું નિયંત્રક અંકુશ છે એ જ રીતે ચૈત્યરૂપ મહાપશુનું નિયંત્રણ જ્ઞાનરૂપ સદાશિવ તત્વથી થાય છે.
સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયાત્મક રૂપ શ્રી ત્રિપુરેશ્વરીને “ક્ષ્માંગિની” નામથી સંબોધિત કર્યા છે.એટલે કે ક્ષ’કાર અને મ’કાર ત્રિપુરેશ્વરીના બીજ મંત્રો છે.શિવાત્મક નિર્વિકલ્પ પદનો બોધ ક્ષ’કાર છે એટલે જ ત્રિપુરેશ્વરીના તુર્ય પદનું બીજ પણ ક્ષ’કાર છે. સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં જીવની સ્થિતિ જણાવેલી છે.આ જીવનો બોધ મ’કાર છે.માટે મકાર એ વિકલ્પ પદનું બીજ છે.અને શ્રી ત્રિપુરેશ્વરીનું સ્વરૂપ સવિકલ્પ નિર્વિકલ્પ એમ ઉભયાત્મક છે.માટે ક્ષકાર અને મકાર એ ઉભયાત્મક બીજોના યોગથી ત્રિપુરેશ્વરીને “ક્ષ્માંગિની” પ્રતિપાદિત કરેલાં છે.
શાસ્ત્રી રાજેશ આચાર્યના જય અંબે જય ગુરુદેવ.