વૈદિક તંત્રોક્ત જે જે ઉપાસકો સંધ્યા જપક્રમ વગેરે દ્વારા ઇષ્ટની નિત્ય ઉપાસના કરે છે તે મંત્રને પ્રાણશક્તિ ,ઉર્જા દ્વારા ચૈતન્ય યુક્ત પ્રાણવાન રાખે છે.
અને એ પરા પ્રાણશક્તિ દેહીના ષડંગમાં બિરાજે છે,માટે મંત્ર સંધ્યા આદિના ઉપાસકો એ ષડંગ ન્યાસાદિ વિના જપ કર્મ ન કરવા જોઈએ.જો એમ થાય તો એ મંત્રજપ દેવતાને કંટક સમાન બની ખૂંચ્યા કરે છે.
મૂળ દેવતા જેની ઉપાસના કરવા બેઠા હોઈએ તે દેવતા બિંદુરૂપ છે અને ષટકોણ એ દેવતાનું અલૌકિક દિવ્ય શરીર છે જેના દ્વારા ઉપાસક દેવતાના ચૈતન્ય સાથે પોતાનું તાદાત્મ્ય ,એકરૂપતા સાધી શકે છે.
નમઃ,સ્વાહા,વષટ્, હૂમ્,વૌષટ્ અને ફટ્ આ મંત્રના છ અંગોથી મંત્રરૂપ કે ચિંતવન રૂપ દેવતાનું સાંનિધ્ય કે ઐક્ય સધાય છે.
જ્યારે આરંભમાં આ ષડંગ થાય ત્યારે હૃદયસ્થ દેવતામાં મૂળ ચૈતનયનો આવિર્ભાવ થાય છે અને જપાન્તે હ્રદયાદિ ન્યાસ ધ્યાન થાય છે ત્યારે મૂળ દેવતાનો જ ષડંગ સહિત બિંદુમાં લય, તિરોભાવ થાય છે.કારણ કે એ દેવતારૂપ શરીર લઈને આપડે સાંસારિક ક્રિયાઓ વ્યવહારો નથી કરી શકતા એટલે ત્યાંજ એ અંગોમાં એને પુનઃ સ્થાપિત કરી તિરોભાવ કરી દઈએ છીએ.
આ માત્ર ક્રિયા નથી પણ જ્યારે ગુરુમુખ મળેલા મંત્રના વિનિયોગ મુજબ જ ઋષ્યાદિ,કરષડંગ,હ્રદયાદિ ષડંગ ભાવ સહિત મંત્રના પ્રત્યેક કૂટ સાથે તે તે અંગમાં સ્થપાય પછી જ દેવતાનું ધ્યાન આવાહન સહિત લયાંગ રૂપ બિંદુમાં પ્રાગટય થાય છે એ પ્રગટેલા દેવતાની હૃદયસ્થ,મનનીય મૂર્તિ જોતા જોતા ભાવવિભોર બની મંત્ર જપ થાય ત્યારે સાધક અને સાધ્ય બેય એકતત્વ થઈ જાય છે.આ જ ઉપાસક માટે નિત્ય ઇષ્ટના સાંનિધ્ય કે પ્રતીતિનો સુગમ માર્ગ છે.
ઋષિ,દેવતા,છંદ,બીજ,શક્તિ,કિલક અને બીજ મુજબ કર, હ્રદયાદિ ન્યાસ ધ્યાન વિના કોઈ જ મંત્ર ગમે તેટલો પ્રભાવી હોય કશું જ ફળ આપતો નથી.આ બધુ જ માત્ર પુસ્તકમાં થી લઈને કરવું મારક છે પણ કોઈ યોગ્ય ગુરુ દ્વારા એની સાચી સમજ અને ગુરુમુખ મંત્ર પ્રાપ્તિ એ જ તારક બની રહે છે.
શાસ્ત્રી રાજેશ આચાર્યના જય અંબે જય ગુરુદેવ.