16 # મા-બાપ થવું, હોવું અને બનવું

Source: http://www.readgujarati.com

(‘નવચેતન’ સામયિકના મે,૨૦૧૫ના અંકમાંથી સાભાર)

પુખ્ત ઉંમરની વ્યક્તિ જ્યારે લગ્નબંધનથી બંધાય છે ત્યારે સહજીવનના પારિપાક રૂપે દંપતી મા-બાપ બને છે. પુરુષ પિતા બને અને સ્ત્રી માતા બને ત્યારે બંનેનાં રૂપ અને સ્વરૂપ બદલવાની સાથે સાથે જવાબદારી પણ વધે છે. આ જવાબદારીની સમજદારી સંતાનના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

બાળકના જન્મથી જ મા-બાપ તેનાં કુશળક્ષેમ, સુરક્ષિતતા અને ભાવિ જીવન માટેનાં આયોજન ઘડી કાઢે છે. જેમાં બાળકના શિક્ષણ અને કારકિર્દીની બાબત કેન્દ્રસ્થાને હોય છે. સમાજમાં વ્યાપ્ત માન્યતાઓ અને પરંપરાઓને ધ્યાનમાં લઈ પોતાના બાળક માટે બીબાઢાળ ભવિષ્ય નિર્ધારિત કરી લે છે. એ કારકિર્દી જાણે પોતાનું ધ્યેય હોય એ રીતે બાળકની પાછળ પડી જાય છે. પોતાની અજ્ઞાત અપેક્ષાનું પ્રક્ષેપણ બાળકમાં કરે છે. આથી શાળાજીવનની સાર્થક શરૂઆત પહેલાં જ બાળક બાળક મટીને ચાવીવાળું રમકડું બની જાય છે. મા-બાપ જેઓ બાળકને ખરેખર ચાહે છે. તેઓ તેમના સુખ માટે બાળકનો સાધન તરીકેનો ઉપયોગ જાણ્યે-અજાણ્યે કરવા લાગે છે.

બાળક ભણતરના ભાર હેઠળ કચડાતું જાય છે. સ્પર્ધાના વાતાવરણ વચ્ચે તંગ અવસ્થામાં જીવે છે. મા-બાપની અપેક્ષાઓ તેના અરમાનને ચૂંથે છે. શાળા અને શિક્ષકો અભ્યાસક્રમ અને ‘હોમવર્ક’ની હોળીમાં જાણે તેનો બલિ ચડાવી રહ્યાં છે. બાળક આ દુનિયાનો એક અપરાધી હોય એ રીતે જીવે છે. બાળકને ઘર, શાળા અને સમાજ દોજખ જેવાં લાગે છે.

ખરેખર તો બાળકને નાની ઉંમરે શાળાએ મોકલવાનો હેતુ તે હોવો જોઈએ કે એ ત્યાં એની ઉંમરનાં બીજાં બાળકો સાથે હળે-મળે અને રમે. ઘરમાં દરેક વસ્તુ પર એકલાની માલિકી હોય, શાળામાં ‘શેરિંગ’ શીખે. માનવજીવનના પાયાના નિયમો શીખે. શિસ્ત શીખે. શાળાના વાતાવરણથી પરિચિત થાય. આ સાહજિક પ્રક્રિયામાં શાળાને અને ખાસ તો વાલીઓને વિશ્વાસ હોતો નથી. આથી નાની ઉંમરે બાળક લખવા, વાંચવા અને માહિતી યાદ રાખવામાંથી ઊંચે આવતું નથી. ભણતર સજારૂપ લાગવાથી બાળક આળસુ બની જાય છે, તરંગી બની જાય છે. અભ્યાસમાં વેઠ ઉતારે છે. બાળક નાદાનિયતથી એવું સમજવા માંડે છે કે આ ભણતર મારા માટે નથી; એ તો મમ્મી-પપ્પાના સંતોષ માટે છે. વહાલસોયી મા ક્યારેક માલિક જેવી અને પ્રેમાળ પિતા ક્યારેક ‘બૉસ’ જેવા લાગે છે.

બાળકના તમામ સાહજિક આનંદ પર નિયંત્રણ અને માત્ર ભણવા માટે બળજબરીની કક્ષાએ પહોંચતો મા-બાપનો ઉત્સાહ બાળકના સહજ વિકાસ પર અવળી અસર કરે છે. ક્યારેક મા-બાપની વધુ પડતી રોક-ટોક બાળકને ચીડિયું અને નઠોર બનાવી દે છે. ‘ભણશે નહીં તો શું કરશે ? મજૂરી કરશે ?’ આ પશ્નો મોટાભાગનાં બાળકો સાંભળતાં હોય છે, ત્યારે બાળક મનોમન બોલતું હોય છે : હા હા મજૂરી કરીશ.

ખરેખર આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ જેથી શરૂઆત સારી થાય. બાળકના મનમાં મા-બાપની, શિક્ષકોની અને શાળાની સારી છાપ પડે. બાળક પ્રસન્ન રહે. ગમતું કરવાની છૂટ નવું નવું શીખવા પ્રેરે.

સારી રીતે જીવતાં શીખવું અને પોતાની આવડત મુજબનું પ્રદાન સમાજને કરવું, એ માટેની પૂર્વતૈયારી બાળક પાસે કરાવવી એ શિક્ષણનું યજ્ઞકાર્ય છે. જડવત્‍ જીવનને સભાન જીવનનું, મૂલ્યહીન જીવનને મૂલ્યનું અને તર્કહીન જીવનને તર્કનું માર્ગદર્શન આપવું તે શિક્ષણનું કાર્ય છે.

શાળાએ મોકલવામાં બા-બાપની પ્રાથમિક ચિંતા બાળકનું સુખ છે. સુખનો દેખીતો અર્થ સંપત્તિની પ્રાપ્તિ અને સંપત્તિની પ્રાપ્તિનું સાધન કારકિર્દી માટે ચાવીરૂપ ક્ષેત્રનો અભ્યાસ છે. એ અભ્યાસની પૂર્ણતા માટે જે કાંઈ કરવું પડે તે માટેની તૈયારીમાં ઝનૂનપૂર્વક મંડી પડવાનું છે. આમ કરવાથી જેવું જીવવાનું છે, એ ઊગતા યુવાનની ઈચ્છા-આકાંક્ષા અને લાગણી બળીને ખાક થઈ જાય છે. જીવન-મૂલ્ય વીસરાઈ જાય તો કોઈ ચિંતા નહીં. આવું બને ત્યારે માણસ માણસ મટી મટીરિયલ્સ બની જાય છે.

ભણતરની પ્રક્રિયામાં મા-બાપ અને શિક્ષકો બાળકને વધુ દુઃખી કરતા હોવા છતાં, તેઓન એમ લાગે છે કે તેઓ બાળકના ભાવિ કુશળક્ષેમને સમર્થન આપી રહ્યાં છે. બાળક ખૂબ કમાશે તો જ સુખી થશે એવી ભ્રમણામાં રાચતાં મા-બાપ એ ભૂલી જાય છે કે સંપત્તિ વારસામાં મળી શકે છે સુખ નહીં.

મા-બાપ બાળકને પ્રસન્ન વાતાવરણ પૂરું પાડે, એને ગમતી પ્રવૃત્તિઓમાં રસ લે. બાળકે પૂછેલા પ્રશ્નોના ધીરજપૂર્વક જવાબ આપે એ આવશ્યક છે. સારાં મા-બાપ બનવા માટે પ્રેમ, લાગણી અને બાળસહજ સરળ સ્વભાવની જેટલી આવશ્યકતા છે, એટલી મા-બાપના ભણતરની નથી.

પોતાના કામમાંથી આનંદ ન મેળવી શકનાર માણસે પોતાની પસંદગી વિરુદ્ધના ક્ષેત્રમાં આખી જિંદગી નિરસતાપૂર્વક વૈતરું કરે, પોતે દુઃખી થાય અને પોતાની આસપાસના સૌને દુઃખી કરે. એથી ઊલટું, મનગમતું કામ, આનંદ આપે એવું કામ, આવડત મુજબનું કામ બે પૈસા રળી આપે તોય માણસને સુખી બનાવે.

મા-બાપ તરીકે આપણે આંધળી દોટ શરૂ કરી છે. આપણે દોડી ન શક્યા તો હવે આપણાં સંતાનોને દોડાવીએ છીએ. સંતાનોને ખબર જ નથી કે પોતે ક્યાં પહોંચવાનું છે. ત્યાં પહોંચ્યા પછી એઓને કદાચ એમ થાય કે શું અહીં આવવા માટે જ મારું બાળપણ અને યુવાની હોમાઈ ગયાં.

ખલિલ જિબ્રાને કહ્યું છે કે, “તમે તમારા બાળકને તમારો પ્રેમ આપી શકો, વિચારો નહીં; કારણ કે એમની પાસે એમના પોતાના વિચારો છે. આપણા બાળક માટે આપણે ક્યારેક જ મા-બાપ બનવાનું હોય છે. ક્યારેક બાળક સાથે આપણે બાળક બની જવાનું હોય છે તો ક્યારેક બાળકને આપણાં મા-બાપ બનાવી એમની પાસે શીખવાનું હોય છે.”

બાળક ભણી-ગણીને ડૉક્ટર કે એન્જિનિયર બને એ એટલું મહત્વનું નથી જેટલું એ સ્વસ્થ અને સમતોલ માનવી બને. સાચો અને સારો માણસ બને. આનંદિત રહે અને પોતાની આસપાસના સહુને આનંદિત કરે.

બાળકો પ્રારબ્ધના ભોગ બન્યા હોય એ શક્ય છે, પરંતુ આપણી ઉપેક્ષાનો ભોગ તો નહિ જ બનવા જોઈએ. આ અંગે વાલી તરીકેની પરિપક્વતા અનિવાર્ય છે. આપણા બાળક માટે આપણને ચિંતા હોય એ સ્વાભાવિક છે કિન્તુ માત્ર ચિંતાથી કોઈ હેતુ સરે ખરો ? બધાં જ બાળકને પ્રથમ નંબર મળે ખરો ? ધારો કે અંક ૫૮ ને બદલે ૮૫ થાય તો પ્રવેશ મળે આથી રસ, રુચિ અને જ્ઞાન બદલાય ખરાં ? આ બધું શાંતિથી વિચારવા જેવું છે.

આપણી આસપાસ ખૂબ કમાઈ ગયેલી વ્યક્તિઓની યાદી બનાવો અને તપાસો કે તેઓ જાહેર પરીક્ષામાં કેટલા ‘પરસેન્ટેંજ’થી પાસ થયા હતા ? જેઓને આપણે સાચે જ સુખી અને આનંદી ગણીએ છીએ તેઓ વિશે ચકાસો કે તેઓ ડૉક્ટર, એન્જિનિયર હતા કે અન્ય કોઈ ક્ષેત્રમાં હતા ? અરે ! જેઓ ખૂબ ઊંચા ગુણાંકે પાસ થઈ આગળ વધી, ઈચ્છિત ક્ષેત્રમાં ગયા છે. તે પૈકીના કેટલા ધન્યતા અનુભવે છે ? એ પણ વિચારો.

કહેવાનો મતલબ એ નથી કે ઉચ્ચ ગુણાંક કે શ્રેષ્ઠ ડિગ્રી અનાવશ્યક છે. એ આવશ્યક છે જ, કિંતુ એ એકમાત્ર ઉદ્ધારક પરિબળ નથી. જે કાંઈ કુદરતી શક્તિઓ છે તેનું યોગ્ય રીતે ‘development’ થવું જોઈએ. સમજદારી અને જવાબદારીનો વિકાસ થવો જોઈએ, જે શાળા અને સમાજ સાથે મળીને કરી શકે.

ઉત્તમ નોકરી આવડત વિના મળી જાય કે ઉત્તમ ક્ષેત્રમાં રસ વિના પ્રવેશાય તો જીવનપર્યંત ઢસરડો કરવો પડે એવી સ્થિતિ બને છે. ગમતું કામ કરવાનું મળે તો જ જીવનમાં ઉત્સાહ આનંદ અને સંતોષ મળે એવી સમજ બાળકને નાનપણથી જ પ્રસંગે પ્રસંગે સમજાવવી જોઈએ. નાણાંનું મહત્વ છે જ, પણ માત્ર નાણાં જ સર્વસ્વ નથી. ઓછાં નાણાંથી ઉત્તમ જીવન અને સાદું તથા ઉન્નત જીવન જીવવાની કળા શીખવે એ જ સાચું શિક્ષણ છે.

જીવનના દરેક ક્ષેત્રમાં દ્રષ્ટિ દોડાવો, તો ઉત્તમ વ્યક્તિઓ સંઘર્ષ અને પરિશ્રમથી જ આગળ આવ્યા છે, જાણીતા અને માનીતા બન્યા છે. અર્થની સાધના કરનારા અર્થદાસ બની જાય છે, જ્યારે જ્ઞાન, વિદ્યા અને આનંદની સાધના કરનાર પંકાય છે અને પૂજાય છે. જે ક્ષેત્રમાં કામ મળે એ કામની સાથે ગમતી પ્રવૃત્તિ જોડી દઈ આનંદ ખોળી લેવાનું મા-બાપે શીખવવું પડશે.
મા-બાપ થવું એક સહજ બાબત, મા-બાપ હોવું એ જવાબદારીનો પ્રારંભ છે; જ્યારે મા-બાપ બની રહેવા માટે માત્ર અનુભવ અને તાલીમ નહીં આંતરસૂઝ માંગી લે છે. ઠેર ઠેર શિક્ષણસંસ્થાઓ કીડિયારાંની માફક ઊભરાય છે, ત્યારે સાચકલા વાલી બની રહેવા મા-બાપ માટેની તાલીમ-સંસ્થાઓ આવશ્યક છે.

(નારાયણ વિદ્યાવિહાર, ભરૂચ)

– વિજયસિંહ ઘરીઆ