Anand no Garbo (The Song of Bliss)

શ્રીઆનંદગરબાનો પ્રાગટયોત્સવ

આનંદ ના ગરબાની રચના

આજે ફાગણ સુદ ત્રીજ ને બુદ્ધવાર – આનંદ ના ગરબા ની રચના તિથી……

“ આનંદ નો ગરબો “ આનંદ શબ્દ સાંભળતાની સાથે જ ચહેરા પર એક અનેરો આનંદ જ છવાઈ જાય છે. મનમાં એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થઇ જાય છે. માનવીના જીવનમાં આનંદની અનુભૂતિ થવાથી શોક, દુ:ખ, ભય કે વ્યાધી જોજનો દુર ચાલ્યા જાય છે.

આ કપટી, અટપટી, સ્વાર્થી દુનિયામાં આનંદ મેળવવા માટેનો ટૂંકો માર્ગ એટલે “ આનંદ નો ગરબો “

આનંદ નો ગરબો એટલે જ્ઞાનની ગરિમા, મનનો મહિમા, ચિત્તની ચતુરાઈ અને દિલની હૃદયથી થતી પ્રસન્નતા.

આ કલિયુગ માં આનંદ ના ગરબા ને “ કલ્પવૃક્ષ “ સમાન ગણવામાં આવ્યો છે.

વાતની શરૂવાત અહીથી થાય છે કે આપણા ગુજરાત નું અમદાવાદ શહેર અમે તેમાં આવેલું નવાપુરા ગામ. એ ગામ માં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીહરિરામ ભટ્ટ અને ફૂલકોરબાઈ રહેતા.તેમના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે. તેમણે ૧૬૯૬- આસો સુદ આઠમ ( દુર્ગાષ્ટમી ) ના રોજ બે જોડિયા બાળકો ને જન્મ આપ્યો. જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ.

બંન્ને બાળકો જયારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મુકવામાં આવ્યા.પણ ખુબ પરિશ્રમ કરવા છતાંપણ એમણે વિદ્યાભ્યાસ નું જ્ઞાન આવ્યું જ નહિ. હા, બંન્ને ભાઈઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યાભ્યાસ નું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંન્ને બાળકો ને બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરનો બીજ મંત્ર આપ્યો.

આ મંત્ર સાથે બંન્ને બાળકો પોતાના ઘરે ગયા. બંન્ને ભાઈઓ તેમની કાલીઘેલી વાણીમાં આખો દિવસ માં ના બીજમંત્રનું જપ કર્યા કરતા.તેઓના માતા – પિતા જાત્રાએ ગયેલ ત્યારે માં બહુચર “ બાળા “ સ્વરૂપે પ્રગટ થયા. માનું જાજરમાન તેજસ્વીરૂપ ન જોઈ શકવાના કારણે બંન્ને ભાઈઓ આંખો બંધ કરીને માં ને પૂછવા લાગ્યા કે આપ કોણ છો…? ત્યારે માં એ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માં છુ. ત્યારબાદ બંન્ને ભાઈઓને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. માં ને પ્રત્યક્ષ નજરો-નજર નિહાળ્યા બાદ બંન્ને ભાઈઓના હૃદય પુલકિત થઇ ગયા. અને રોમે-રોમ આનંદિત થઇ ઉઠ્યું.

માં એ ફરીથી એમને કહ્યું કે માગો – માગો જે જોઈએ તે આપું. પરંતુ માના દર્શન માત્રથી જ આનંદ મળવાના કારણે બંન્ને ભાઈઓ માની સમક્ષ કઈ બોલી કે માંગી ના શક્યા. ત્યારે માં એ ત્રીજી વખત કહ્યું કે બેટા માગ, માંગે તે આપું. ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે માં…!!! આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ, આનંદ, અને માત્ર આનંદ જ છવાઈ ગયો છે અમને જે આનંદ પ્રાપ્ત થયો એવો આનંદ સૌને મળે એવું કઈક આપો. ત્યારે માં એ કહ્યું કે તમે મારા આનંદ ના ગરબા ની રચના કરો, પણ વલ્લભરામે કહ્યું કે હે માં…!!! અમે તો અભણ છીએ તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ ? ત્યારે માં એ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભનાં અગ્રભાગ પર બિરાજમાન થઈશ એમ કહી માં એ તેમની ટચલી આંગળી વલ્લભરામની જીભના અગ્રભાગ પર મુકી ત્યારબાદ જે કઈ પણ તેમના દ્વારા રચનાઓ થઇ તે અલૌકિક અને અકાલ્પનિક છે.

આનંદ ના ગરબા ની રચના શ્રી વલ્લભરામે માત્ર ૧૨ વર્ષ , ૪ મહિના, ૨૬ દિવસની નાની કિશોર અવસ્થામાં વિક્રમ સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજ (૩) ને બુદ્ધવારે કરી. છેલ્લા ૩૬૫ વર્ષથી સતત ભક્તો ને આનંદ જ આપ્યા કરે છે. આનંદ ના ગરબા ની ૧૧૬ મી પંક્તિ માં લખવામાં આવ્યું છે કે,

“ સવંત સતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં, તિથી તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુદ્ધે માં,

આનંદ ગરબા વિશેષ :-

  • ૧૧૮ પદ નો ગરબો જેમાં દરેકની બે પંક્તિ હોવાથી ૨૩૬ પંક્તિઓ થાય
  • ગરબા માં ૬૭૫ શબ્દો
  • ગરબા માં ૩૭૨૩ અક્ષરો
  • ગરબા માં ૭ વખત “ બહુચર માં “ શબ્દ
  • આ ગરબા ની પ્રથમ પંક્તિ નો પ્રથમ શબ્દ “ આઈ “ છે જેનો અર્થ “ માં “ થાય અને ગરબાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ પણ “ માં “ જ છે.
  • ગરબા માં ૨૪૫ વખત “ માં “ શબ્દ
  • આ ગરબા નું કેન્દ્રબિંદુ જ “ માં “ છે.
  • આ ગરબા માં વેદ- પુરાણ , ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા મહાન ગ્રંથો નો સમાવેશ
  • આ ગરબા માં ત્રણ લોક, ત્રણ શક્તિ, ચાર વેદ, ચૌદ ભુવન, ચૌદ વિદ્યા, પંચ મહાભૂત, ચાર યુગ, ત્રણ જીવ, ત્રણ વાયુ, ત્રણ ગુણ, ત્રણ દેવ, દસ અવતાર, ચૌદ રત્નો, નવ નાથ, ચોર્યાશી સિદ્ધો, પાંચ પાંડવ, અઢાર પુરાણ, ત્રણ કાળ, છ ઋતુ, છ રસ, બાર માસ, પંચામૃત, ચાર શત્રુ, સાત ધાતુ, પાંચ રંગ, આઠ પર્વત, અઢાર ભાર વનસ્પતિ, ચાર વર્ણ, ચૌદ ઇન્દ્રિયો, ચોર્યાશી લાખ જંતુઓ, નવ ખંડ, ત્રીભેટ, દસ દિશા, ચાર મંગળ, સાત સાગર, નવ ગ્રહ, દસ દિશા ના રક્ષક, પાંચ પદારથ, ત્રણ દોષ નો અદભૂત સમન્વય.
  • એક જ આસન પર બેસીને ત્રણ વખત આનંદ નો ગરબો કરવાથી “ ચંડીપાઠ “ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • આનંદના ગરબા મા સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધ માગધી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ગામઠી,તળપદી જેવી અનેક ભાષાઓના શબ્દોનો સમાવેશ છે.
  • આનંદનો ગરબો ફક્ત બહુચરમાં આંગળી નહિ પરંતુ કોઇ પણ ઇષ્ટ કે કુળદેવી આગળ કરી શકાય એટલે જ અંબાજી બહુચરાજી જેવા ગુજરાતના મંદિરો પીઠો મા આનંદના ગરબાના નિત્ય ૩ પાઠ થાય છે.એટલેજ કેહવાય છે કે આનંદ નો ગરબો એ શક્તિ ઉપાસકો નું અમૂલ્ય ઘરેણું છે.
  • આનંદ નો ગરબો એ શક્તિ આરાધનાનો ગરબો છે.

આનંદનો ગરબો કરવાથી મળતું ફળ :-

  • નિર્ધન ને ધન પ્રાપ્ત થાય
  • રોગીઓના રોગ દુર, દુ:ખ , દર્દ દુર થાય
  • શેર માટીની ખોટ પૂરી થાય
  • કેન્સર, ડાયાબીટીશ જેવા ભયંકર અને મોટા રોગો દુર થાય
  • આંખ, કાન, નાક, વાચા, વાણી ની તકલીફો દુર થાય
  • મનોવાંછિત ફળની પ્રાપ્તિ
  • ટૂંક માં એટલું કહી શકાય છે “ આનંદ નો ગરબો “ એટલે તન, મન ની પ્રસન્નતા, સુખ શાંતિ નો સમન્વય અને “ માં “ પરાશક્તિનું સાક્ષાત દર્શન.

ખાસ નોધ :-

આનંદ નો ગરબો એ શક્તિ ઉપાસકો નું અમૂલ્ય ઘરેણું છે, આજથી આપણે આ ફાગણ સુદ ત્રીજને “ આનંદ તૃતીયા “ તિથી થી મનાવીશું….

પ.પૂજય શ્રી વલ્લભ ભટ્ટ રચિત શ્રી બહુચર માઁ નો આનંદ ગરબા નો આજ ૩૬૫ મો પ્રાગટય દિન વિ. સં. ૧૭૦૯ ફાગણ સુદ ત્રીજ બુધવાર.આજ ફાગણ સુદ ૩ ને રવિવાર તારીખ ૧૮-૨-૨૦૧૮.

આપડી આજુબાજુ માં રહેતા દરેક વ્યક્તિ, દરેક સોસાયટી, મહોલ્લા, પોળ કે એરિયામાં રહેતા દરેક રહેવાસી ગરબામાં વધુમાં વધુ જોડાય , માં ની સ્તુતિ, પ્રાર્થના, ગરબો કરતા થાય એવા પ્રયત્નો કરીશું. જેટલા વધુમાં વધુ મંડળો બને એવા પ્રયત્નો કરીશું.

માં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચર આપની, આપના પરિવારની સર્વે મનોકામના પૂર્ણ કરે એવી માં ને પ્રાર્થના સહ સૌને મારા…….

જય અંબે…….જય બહુચર……..

🌹આનંદનો ગરબો 🌷

☘વલ્લભ ભટ્ટ☘

આજ મુંને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,

ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧

અળવે આળ પંપાળ, અપેક્ષા જ આણી મા,

છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તહારો મા,

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા. ૩

તોતળા જ મુખ તન્ન, તાતો તોય કહે મા,

અર્ભક માગે અન્ન, નિજ માતા મન લ્હે મા ૪

નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઇ જાણું મા,

કળી કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫

કુળજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,

મૂરખમાં અણમીલ, રસ રટવા વિચર્યો મા ૬

મૂઢ પ્રમાણે મત્ય, મન મિથ્યા માપી મા,

કોણ લહે ઉત્પત્ય, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭

પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પલ પ્રીચ્છું મા,

પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞ થકો ઇચ્છું મા ૮

અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,

પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯

રસના યુગ્મ હજાર, એ રટતાં હાર્યો મા,

ઇશેં અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦

માર્કંડ મુનિરાય મુખ , માહાત્યમ ભાખ્યું મા,

જૈમિની ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા. ૧૧

અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા,

માત જાગતી જ્યોત, ઝળહળતો પારો મા. ૧૨

જશ તૃણવત ગુણગાથ, કહું ઉંડળ ગુંડળ મા,

ભરવા બુદ્ધિ બે હાથ, ઓધામાં ઉંડળ મા. ૧૩

પાઘ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા,

માત ન ધરશો રીસ, છો ખોલ્લું ખાંડું મા. ૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા,

તું થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા. ૧૫

શક્તિ સૃજવા સ્રૂષ્ટ, સહજ સ્વભાવ સ્વલ્પ મા,

કિંચિત્ કરુણા દ્રષ્ટ, કૃત કૃત્ય કોટી કલ્પ મા. ૧૬

માતંગી મન મુક્ત, રમવા મન દીધું મા,

જોવા જુક્ત અજુગ્ત, ચૌદ ભુવન કીધું મા. ૧૭

નીર ગગન ભૂ તેજ, સહેજ કરી નીર્મ્યાં મા,

મારુત વશ જે છે જ, ભાંડ જ કરી ભરમ્યા મા. ૧૮

તત્ક્ષણ તનથી દેહ, ત્રણ કરી પેદા મા,

ભવકૃત કર્તા જેહ, સરજે પાળે છેદા મા. ૧૯

પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચારે વાયક મા,

ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા. ૨૦

પ્રગટી પંચ મહાભૂત, અવર સર્વ જે કો મા,

શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહીં કો મા. ૨૧

મૂળ મહીં મંડાણ, મહા માહેશ્વરી મા,

જુગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. ૨૨

જડ મધ્યે જડસાંઇ , પોઢયા જગજીવન મા,

બેઠાં અંતરીક્ષ આઇ, ખોળે રાખી તન મા. ૨૩

વ્યોમ વિમાનની વાટ્ય , ઠાઠ ઠઠયો આછો મા,

ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા. ૨૪

અજ રજ ગુણ અવતાર, આકાશે જાણી મા,

ર્નિમિત હિત નરનાર, નખશિખ નારાયણી મા. ૨૫

પન્નગને પશુ પક્ષ , પૃથક પૃથક પ્રાણી મા,

જુગ જુગ માંહિ ઝંખી, રુપે રૃદ્રાણી મા. ૨૬

ચક્ષુ મધ્ય ચૈતન્ય વચ ચાસન ટીકી મા,

જણાવવા જન મન્ય, મધ્ય માત કીકી મા. ૨૭

અણૂચર તૃણચર વાયુ, ચર વારિ ચરતા મા,

ઉદર ઉદર ભરી આયુ, તું ભવની ભર્તા મા. ૨૮

રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મા ત્રાતા મા,

ત્રિભુવન તારણ તત્વ, જગ્ત તણી જાતા મા. ૨૯

જ્યાં જયમ ત્યાં ત્યમ રુપ, તેં જ ધર્યું સઘળે મા,

કોટી ધુંવાડે ઘૂપ, કોઇ તુજ કો ન કળે મા. ૩૦

મેરુ શિખર મહી માંહ્ય , ધોળાગઢ પાસે મા,

બાળી બહુચર આય, આદ્ય વસે વાસો મા. ૩૧

ન લ્હે બ્રહ્મા ભેદ, ગુહ્ય ગતિ તાહરી મા,

વાણી વખાણે વેદ, શી જ મતિ માહરી મા. ૩૨

વિષ્ણુ વિમાસી મન્ય, ધન્ય જ ઉચ્ચરિયા મા,

અવર ન તુ જ થી અન્ય, બાળી બહુચરિયા મા. ૩૩

માણે મન માહેશ, માત મયા કીધે મા,

જાણે સુરપતિ શેષ, સહુ તારે લીધે મા. ૩૪

સહસ્ત્ર ફણાધર શેષ, શક્ત શબલ સાધી મા,

નામ ધર્યું નાગેશ, કીર્તિ જ તો વાધી મા. ૩૫

મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઇ મા,

એ અવતારો તારાહ , તું જ મહાત્યમ મયી મા. ૩૬

પરશુરામ શ્રીરામ રામ, બળી બળ જેહ મા,

બુદ્ધ કલ્કી નામ, દશ વિધ ધારી દેહ મા. ૩૭

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોત્યું મા,

તેં નાખી મોહજાળ, કોઇ બીજું ન્હોતું મા. ૩૮

કૃષ્ણા કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા,

ભુક્તિ મુક્તિ દાતાર, થઇ દર્શન દીધું મા. ૩૯

વ્યંઢળને નર નાર, એ પુરુષાં પાંખોં મા,

એ આચાર સંસાર, શ્રુતિ સ્મૃતિએ ભાખું મા. ૪૦

જાણ્યે વ્યંઢળ કાય, જગ્ત કહે જુગ્ત મા,

માત મોટો મહિમાય,ન લ્હે ઇન્દ્ર યુગત મા. ૪૧

મ્હેરામણ મથ મેર, કીધ ઘોર રવૈયો સ્થિર મા,

આકર્ષણ એક તેર, વાસુકિના નેતર મા. ૪૨

સુર સંકટ હરનાર, સેવકને સન્મુખ મા,

અવિગત અગમ અપાર, આનંદ નિધિ સુખ મા. ૪૩

સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધ્યે મા,

આરાધી નવનાથ, ચોર્યાસી સિદ્ધે મા. ૪૪

આઇ અયોધ્યા ઇશ, નામી શિશ વળ્યાં મા,

દશ મસ્તક ભુજ વીસ, છેદી સીત મળ્યા મા. ૪૫

નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી મા,

રુક્ષ્મણી રમણ મુરારી મન ગમતો સ્વામી મા. ૪૬

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા,

સંવત્સર એક બાર, વામ્યા તમ આંગે મા. ૪૭

બાંધ્યો તન પ્રધ્યુમ્ન , છૂટે નહીં કો થી મા,

સમરી પૂરી સલખન , ગયો કારાગ્રુહથી મા. ૪૮

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકલ સાક્ષી મા,

શક્તિ સૃષ્ટિ મંડાણ, સર્વ રહ્યા રાખી મા. ૪૯

જે જે જાગ્યાં જોઇ, ત્યાં ત્યાં તુ તેવી મા,

સમ વિભ્રમ મતિ ખોઇ, કહી ન શકું કેવી મા. ૫૦

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા,

આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. ૫૧

તિમિર હરણ શશીસૂર, તે તહારો ધોખો મા,

અમી અગ્નિ ભરપૂર, થઇ શોખો પોખો મા. ૫૨

ખટ ઋતુ રસ ખટ માસ, દ્વાદશ પ્રતિબન્ધે મા,

અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસન્ધે મા. ૫૩

ધરથી પર ધન ધન્ય, ધ્યાન ધર્યે નાવો મા,

પાલણ પ્રજા પર્જન્ય , અણચિંતવ્યા આવો મા. ૫૪

સકલ સ્રુષ્ટી સુખદાયી, પયદધી ધૃત માંહી મા,

સમ ને સર સરસાંઇ, તું વિણ નહીં કાંઇ મા. ૫૫

સુખ દુખ બે સંસાર, તાહરા નિપજાવ્યા મા,

બુદ્ધિ બળ ની બલિહાર, ઘણું ડાહ્યાં વાહ્યાં મા. ૫૬

ક્ષુધા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃદ્ધા મા,

શાંતિ શૌર્ય ક્ષમાય, તું સઘળે શ્રદ્ધા મા. ૫૭

કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા મા,

તૃષ્ણા સ્થિરતા ક્ષોભ, શર્મ ધૈર્ય સમતા મા. ૫૮

અર્થ ધર્મ ને કામ, મોક્ષ તું મહંમાયા મા,

વિશ્વ તણો વિશ્રામ, ઉર અંતર છાયા માં. ૫૯

ઉદય ઉદાહરણ અસ્ત, આદ્ય અનાદીની મા,

ભાષા ભૂર સમસ્ત, વાક વિવાદીની મા. ૬૦

હરખ હાસ્ય ઉપહાસ્ , કાવ્ય કવિત વિત તું મા,

ભાવ ભેદ નિજ ભાષ્ય, ભ્રાંતિ ભલી ચિત્ત તું મા. ૬૧

ગીત નૃત્ય વાદીંત્ર , તાલ તાન માને મા,

વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. ૬૨

રતિ રસ વિવિધ વિલાસ, આશ સક્લ જગની મા,

તન મન મધ્યે વાસ, મહંમાયા મગ્ની મા. ૬૩

જાણ્યે અજાણ્યે જગ્ત , બે બાધા જાણે મા,

જીવ સકળ આસક્ત, સહુ સરખા માણે મા. ૬૪

વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા,

ઘ્રુત સુરત નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા. ૬૫

જડ, થડ, શાખા, પત્ર, પુષ્પ ફળે ફળતી મા,

પરમાણુ એક માત્ર, રસ બસ વિચરતી( “નીશી વાસર ચળતી માં” એવો પાઠ ભેદ પણ છે ) મા. ૬૬

નિપટ અટપટી વાત, નામ કહું કોનું મા,

સરજી સાતે ઘાત, માત અધિક સોનું મા. ૬૭

રત્ન, મણિ માણિક્ય, નંગ મુંગીયા મુક્તા મા,

આભા અટળ અધિક્ય , અન્ય ન સંયુક્તા મા. ૬૮

નીલ પીત, આરક્ત, શ્યામ શ્વેત સરખી મા,

ઉભય વ્યક્ત અવ્યક્ત, જગ્ત જશી નિરખી મા. ૬૯

નગ જે અધિકુળ આઠ, હિમાચલ આદ્યે મા,

પવન ગગન ઠઠી ઠાઠ, તુજ રચિતા માધ્યે મા. ૭૦

વાપી કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા,

જળ તારણ જયમ નાવ, ત્યમ તારણ બંધુ મા. ૭૧

વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઊભાં મા,

કૃત્ય ક્રુત્ય તું કીરતાર , કોશ વિધાં કુંભા મા. ૭૨

જડ ચૈતન અભિધાન અંશ અંશધારી મા,

માનવ મોટે માન, એ કરણી તારી મા. ૭૩

વર્ણ ચાર નીજ કર્મ ધર્મ સહિત સ્થાપી મા,

બેને બાર અપર્મ અનુચર વર આપી મા. ૭૪

વાડવ વહ્ની નિવાસ, મુખ માતા પોતે મા,

તૃપ્તે તૃપ્તે ગ્રાસ, માત જગન જોતે મા. ૭૫

લક્ષ ચોર્યાસી જંત, સહુ ત્હારા કીધા મા,

આણ્યો અસુરનો અંત, દણ્ડ ભલા દીધા મા. ૭૬

દુષ્ટ દમ્યા કંઈ વાર, દારુણ દુઃખ દેતાં મા,

દૈત્ય કર્યાં સંહાર, ભાગ યજ્ઞ લેતાં મા. ૭૭

શુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું મા,

ભૂમિ તણો શિરભાર, હરવા મન કીધું મા. ૭૮

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા,

સંત કરણ ભવપાર, સાદ્ય કર્યે સહાવા મા. ૭૯

અધમ ઓધારણ હાર, આસનથી ઊઠી મા,

રાખણ જુગ વ્યવહાર, બધ્ય બાંધી મુઠ્ઠી મા. ૮૦

આણી મન આનંદ, મહીં માંડયાં પગલાં મા,

તેજ પુંજ રવિ ચંદ્ર , દૈ નાના ડગલાં મા. ૮૧

ભર્યાં કદમ બે ચાર, મદમાતી મદભર મા,

મનમાં કરી વિચાર, તેડાવ્યો અનુચર મા. ૮૨

કુરકટ કરી આરોહ, કરુણાકર ચાલી મા,

નખ, પંખી મય લોહ , પગ પૃથ્વી હાલી મા. ૮૩

ઊડીને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા,

અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો મા. ૮૪

પાપી કરણ નીપ્રાત, પૃથ્વી પડ માંહે મા,

ગોઠયું મન ગુજરાત, ભીલાંભડ માંહે મા. ૮૫

ભોળી ભવાની આય, ભોળાં સો ભાળે મા,

કીધી ધણી કૃપાય, ચુંવાળે આળે મા. ૮૬

નવખંડ ન્યાળી નેઠ, નજર વજ્જર પેઢી મા,

ત્રણ ગામ તરભેટ્ય , ઠેઠ અડી બેઠી મા. ૮૭

સેવક સારણ કાજ, સલખનપુર શેઢે મા,

ઊઠયો એક અવાજ, ડેડાણા નેડે મા. ૮૮

આવ્યો અશર્ણા શર્ણ , અતિ આનંદ ભર્યો મા,

ઉદિત મુદિત રવિકિર્ણ, દસદિશ જશ પ્રસર્યો મા. ૮૯

સકલ સમ્રુધ્ધી સુખમાત, બેઠાં ચિત સ્થિર થઈ મા,

વસુધા મધ્ય વિખ્યાત, વાત્ય વાયુ વિધ ગઈ મા. ૯૦

જાણે જગત બધ્ય જોર, જગજનુની જોખે મા,

અધિક ઉઠયો શોર, વાત કરી ગોંખે મા. ૯૧

ચાર ખૂંટ ચોખાણ, ચર્ચા એ ચાલી મા,

જનજન પ્રતિ મુખવાણ્ય , બહુચર બિરદાળી મા. ૯૨

ઉદો ઉદો જયજય કાર, કીધો નવખંડે મા,

મંગળ વર્ત્યાં ચાર, ચઉદે બ્રહ્મંડે મા. ૯૩

ગાજ્યા સાગર સાત દૂધે મેઘ વુઠયા મા,

અધમ અધર્મ ઉત્પાત, સહુ કીધા જૂઠા મા. ૯૪

હરખ્યાં સુર નર નાગ, મુખ જોઈ માતા નું મા,

અલૌકિક અનુરાગ મન મુનિ સરખાનું મા. ૯૫

નવગ્રહ નમવા કાજ, પાઘ પળી આવ્યા મા,

લુણ ઉવારણ કાજ, મણિમુક્તા લાવ્યાં મા. ૯૬

દશ દિશના દિગ્પાળ દેખી દુઃખ વામ્યા મા,

જન્મ મરણ જંજાળ, જિતી સુખ પામ્યા મા. ૯૭

ગુણ ગંધર્વ જશ ગાન, નૃત્ય કરે રંભા મા,

સુર સ્વર સુણતા કાન, ગત થઈ ગઈ થંભા મા. ૯૮

ગુણનિધિ ગરબો જેહ, બહુચર આપ તણો મા,

ધારે ધરી તે દેહ, સફળ ફરે ફેરો મા. ૯૯

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતા મા,

ના’વે ઉન્હી આંચ, દાવાનળ બળતા મા. ૧૦૦

સહસ્ર ન ભેદે અંગ, આદ્ય શક્તિ શાખે મા,

નિત્ય નિત્ય નવલે રંગ, શમ દમ મર્મ પાખે મા. ૧૦૧

જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા,

ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત: , ભવસંકટ ફેડે મા. ૧૦૨

ભૂત પ્રેત જંભુક વ્યંતર ડાકીની મા,

ના વે આડી અચૂક, સમર્યે શાકીણી મા. ૧૦૩

ચકણ કરણ ગતિ ભંગ ખુંગ પુંગ વાળે મા,

ગુંગ મુંગ મુખ અબધ વ્યાધિ બધી ટાળે મા. ૧૦૪

શેણ વિહોણા નેણ નેહે તું આપે, મા,

પુત્ર વિહોણા કહેણ દૈ મેણા કાપે મા. ૧૦૫

કળી કલ્પતરુ ઝાડ, જે જાણે તૂં ને મા,

ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬

પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આલે પળમાં મા,

ઠાલાં ઘેર ઠકુરાઈ, દ્યો દલ હલબલમાં મા. ૧૦૭

નિર્ધનને ધન પાત્ર, કર્તા તૂં છે મા,

રોગ, દોષ દુઃખ માત્ર, હર્તા શું છે મા ? ૧૦૮

હય, ગજ, રથ સુખપાલ, આલ્ય વિના અજરે મા,

બીરદે બહુચર માલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯

ધર્મ ધજા ધન ધાન્ય , ન ટળે ધામ થકી મા,

મહિપતિ મુખ દે માન્ય , માં ના નામ થકી મા. ૧૧૦

નરનારી ધરી દેહ, જે હેતે ગાશે મા,

કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧

ભગવતી ગીત ચરિત્ર, જે સુણશે કાને મા,

થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨

તું થી નથી કો વસ્ત જેથી તું ને તર્પું મા,

પૂરણ પ્રગટ પ્રસશ્ત, શી ઉપમા અર્પું મા. ૧૧૩

વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,

નિર્મળ નિશ્વળ નામ, જગજનનીનું લીજે મા. ૧૧૪

નમ: ૐ નમ: ૐ જગમાત, નામ સહસ્ત્ર તાહરે મા,

માત તાત ને ભ્રાત તું સર્વે માહરે મા. ૧૧૫

સંવત શત દશ સાત, નવ ફાલ્ગન સુદે મા,

તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬

રાજનગર નિજ ધામ, પુર નવીન મધ્યે મા,

આઈ આદ્ય વિશ્રામ, જાણે જગ બધ્યે મા. ૧૧૭

કરી દુર્લભ સુલર્ભ, રહું છું છેવાડો મા,

કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો.૧૧૮

—————————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.